ધોરણ 8 સુધી નાપાસ નહી ની નીતિ બદલાશે ગણિત, વિજ્ઞાન & અંગ્રેજી માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ

અમદાવાદ-લાંબી પ્રતીક્ષા બાદ આખરે કેન્દ્રએ નવી શૈક્ષણિક નીતિના કેટલાક મુદ્દા જાહેર કર્યાં છે. પૂર્વ કેબિનેટ સચીવ ટીએસઆર સુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી સમિતિની ભલામણોના આધારે મુસદ્દો જારી કરવામાં આવ્યો તેમાં વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની નીતિમાં ફેરફારનો મુદ્દો પણ છે. હાલમાં ધોરણ આઠ સુધી વિદ્યાર્થીઓને નાપાસ કરાતાં નથી. નો ફેઇલની નીતિ પાંચમાં ધોરણ સુધી સીમિત કરવામાં આવશે. સમિતિએ માન્યું છે કે આઠમા સુધી નાપાસ ન કરવાની નીતિનો વિદ્યાર્થીના શૈક્ષણિક દેખાવ પર ગંભીર અસર પડે છે. તેથી પાંચમા ધોરણ પછી નાપાસ થવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ ફરી એક વર્ષ તે જ ધોરણમાં ભણવું પડશે. નવી શિક્ષણનીતિમાં રાજ્યોને સૂચન કરવામાં આવ્યું છે કે રાજ્ય જો ઇચ્છે તો પાંચમાં સુધી માતૃભાષા, સ્થાનિક કે ક્ષેત્રીય ભાષામાં શિક્ષણ આપી શકે છે. પરંતુ બીજી ભાષા અંગ્રેજી રહેશે અને ત્રીજી ભાષાનો વિકલ્પ સંવિધાન પ્રમાણે રાજ્ય કે સ્થાનિક ઓથોરિટીઝ કરી શકે છે. ધોરણ દસની પરીક્ષામાં નાપાસ રેટ ઘટાડવા માટે પણ સૂચનો શામેલ કરાયાં છે. જેમાં ધોરણ 10ની ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની પરીક્ષા બે તબક્કામાં લેવાનું સૂચન કરાયું છે. જેમાં પહેલા ભાગમાં ઉચ્ચસ્તરીય અને બીજો ભાગ નિમ્નસ્તરીય રહેશે. આ સૂચન એટલા માટે છે કે ધોરણ દસ પછી જે અભ્યાસક્રમોમાં જવા માટે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની જરુર ન હોય તેવા વિદ્યાર્થીઓ પાર્ટ-બીની નિમ્નસ્તરીય પરીક્ષાનો વિકલ્પ પસંદ કરી શકશે. આર્થિક નબળાંવર્ગના વ્યાપક હિતમાં સરકારી સહાયતા મેળવતી લઘુમતી સંસ્થાઓ સુધી આરટીઆઈ એક્ટના કલમ 12(1)(સી) ના વિસ્તાર પર પુનર્વિચાર કરવાનું સૂચન નવી શિક્ષણનીતિમાં શામેલ છે. આ ઉપરાંત પણ અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જાહેર કરાયાં છે. જેમાં પ્રમુખ સૂચનોમાં વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષય માટે એકસરખો રાષ્ટ્રીય અભ્યાસક્રમ તૈયાર કરવાનું સૂચન છે. સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસક્રમનો એક ભાગ રાષ્ટ્રીયસ્તરે એકસમાન અને બાકીનો ભાગ રાજ્ય પોતાની રીતે નક્કી કરે તેવો મુસદ્દો પણ શામેલ કરવામાં આવ્યો છે. નવી કેન્દ્રીય શિક્ષણનીતિમાં અન્ય કેટલાક બિંદુઓ પણ સૂચવાયાં છે. જેમાં; જ્ઞાનના નવાં ક્ષેત્રો શોધવા એક શિક્ષણ આયોગની રચના, શિક્ષણક્ષેત્રમાં પૂંજીનિવેશ જીડીપીના 6 ટકા જેટલો વધારવો, વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં આવવા પ્રોત્સાહન અને ભારતીય સંસ્થાઓ પણ વિદેશોમાં જઈ શકે તે માટે કાયદાઓમાં ફેરફાર કરવાનો નવા મુસદ્દામાં ઉલ્લેખ છે. નવેમ્બર 2015માં નીમાયેલી ટીએસઆર સુબ્રમણ્યન કમિટીમાં અન્ય બે સદસ્યો શૈલજા ચંદ્રા અને ગુજરાતના પૂર્વ મુખ્ય સચીવ સુધીર માંકડ પણ છે, જેઓ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં આવી રહી છે. મુસદ્દો જાહેર થઈ ચૂક્યો છે ત્યારે આગામી માસમાં યોજાઈ રહેલા ચોમાસુ સત્રમાં નવી શિક્ષણનીતિ સંસદમાં મૂકાય તેવી પૂરી સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે 1968માં ઇન્દિરા ગાંધી સરકારે કોઠારી કમિશનની ભલામણો સ્વીકારી સૌપ્રથમ શિક્ષણનીતિ અપનાવી હતી. હાલમાં સુબ્રમણિયન કમિટી દેશની ત્રીજી શિક્ષણનીતિ તૈયાર કરી રહી છે. Article Link: https://play.google.com/store/apps/details?id=com.iDroidAppDB Seen in the "દિવ્ય ભાસ્કર" app

Post a Comment

0 Comments